September 11, 2023 સુરતઃ હીરાની સાથે ટેક્સટાઈલ માર્કેટમાં પણ દુનિયાભરમાં સુરત શહેર પ્રખ્યાત છે. જેથી સુરતને ટેક્સટાઈલ સિટી પણ કહેવામાં આવે છે. હવે ટેક્સટાઈલના વેપારીઓ ઉઠામણાની સમસ્યાથી મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ તહેવારની સિઝનના કારણે ટેક્સટાઈલ ઉદ્યોગમાં આસાનું કિરણ જાગ્યું છે. તો બીજી તરફ ઉઠામણાને લઈને પણ વેપારી ચિંતામાં વધારો થયો છે. ત્યારે ટેક્સટાઈલ એસોસિએશન FOSTA (Federation Of Surat Textile Traders Association) દ્વારા વેપારીને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ રાજ્યના અલગ અલગ એસોશિયાનો તેમાં ચેમ્બર ઓફ કોમર્સ સાથે સંપર્કો સાધવામાં આવી રહ્યા છે. ઉપરાંત સુરત ટેક્સટાઈલ માર્કેટમાં રજીસ્ટ્રેશન સિસ્ટમ પણ હાથ ધરવામાં આવી રહી છે.
હાલ તહેવારોને લઈને એક તરફ તેજીનો માહોલ દેખાઈ રહ્યો છે અને સારો વેપાર થવાની વેપારીઓ આશા સેવી રહ્યા છે. બીજી તરફ વેપારીઓની આ આશા વચ્ચે ટેક્સટાઈલ માર્કેટમાં વધતા જતા ઉઠામણાને લઈને વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. ઘણા એવા વેપારી હોય છે કે, તેઓ વેપારી સાથે થોડો સારો પરિચય કેળવતા હોય છે અને ત્યારબાદ ખૂબ જ મોટી માત્રામાં વેપારી પાસેથી માલની ખરીદી કરીને માલનું પેમેન્ટ નહીં આપી ઉઠામણું કરી લેતા હોય છે. આવી પરિસ્થિતિઓના કારણે અન્ય વેપારીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. સુરત ટેક્સટાઈલના વેપારીઓની સમસ્યાના નિવારણ માટે ફોસ્ટા દ્વારા વેપારીઓને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ફોસ્ટાના મહામંત્રી દિનેશ કટારીયાનું કહેવું છે કે, વેપારીઓ પોતાની બેદરકારીના કારણે ઉઠામણાનો ભોગ બનતા હોય છે થોડી ઘણી પણ માહિતી મેળવીને અન્ય લોકો સાથે કે, વેપારી સાથે વેપાર કરે તો તેને છેતરપિંડી કે પછી ઉઠામણાનો ભોગ બનવું નહીં પડે. જ્યારે વેપારી અલગ રાજ્યના વેપારી સાથે ધંધો કરે તો પહેલા ઓનલાઈન જીએસટીની વિગતો જે તે વેપારીની મેળવીને તે કઈ પ્રકારે જીએસટી ભરે છે તેના આધારે આ વેપારીની નિયમિતતા નક્કી કરી શકે છે.
તેમણ વધુમાં જણાવ્યું છે કે, આ ઉપરાંત સુરત ટેક્સટાઈલ માર્કેટમાં રજીસ્ટ્રેશન સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી છે. જેમાંથી કોઈ પણ વેપારી અન્ય રાજ્યના વેપારીનો કેવો વ્યવહાર છે તે બાબતે જો ફોસ્ટા પાસેથી માહિતી માગે છે તો ફોસ્ટા દ્વારા પણ અલગ અલગ રાજ્યના એસોસિયાનો તેમજ ચેમ્બર ઓફ કોમર્સ સાથે સંપર્ક કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ વેપારીની વિગતો ફોસ્ટા દ્વારા મેળવીને વેપારીને આપવામાં આવશે જેથી કોઈપણ વેપારીને ઉઠામણાના કારણે નુકસાની નો સામનો કરવો ન પડે.